Monday, September 14, 2015

Bapuji (The Father)



બાપૂજી ગયા...એમનાં સ્મરણો રહ્યાં...  ઇલિયાસ શેખ


ગઇ ૨૧મી ઓક્ટોબર ૨૦૧૪, મંગળવારેની મધરાતે મારાં બાપૂજીનું અવસાન થયું. તેઓ ૮૩ વર્ષનાં હતાં. મારાં નજીકનાં મિત્રો જાણે છે કે, એમને છેલ્લાં એક મહિનાથી એકાએક સ્પાઈનમાં સમસ્યા શરૂ થઇ હતી અને મેડિકલી શક્ય હોય, એવી બધી જ સારવાર કરવામાં આવી હતી. પણ, ઉમરનો એક પડાવ એવો પણ હોય છે કે, જ્યારે વ્યક્તિ સોયમાં દોરો નથી પરોવી શકતો અને ઉમરનો એક પડાવ એવો હોય છે કે, જ્યારે સારામાં સારી સોય, એથી પણ સારો દોરો અને ઉત્તમોત્તમ થીગડું સામે હોવા છતાં પણ એને મારી શકાતું નથી. આવાં કપરાં સમયે તો બસ માથે હાથ મૂકીને, સઘળી હોંશયારી પડતી મૂકીને, ગમ ખાઈને બેસી રહેવું પડે છે. મોટી ઉમરે આવતી આ પોલા મણકાની, કરોડરજ્જુની સમસ્યા, એક એવી સમસ્યા છે કે, તમે એક કરોડ રજુ કરો કે  સો કરોડ રજુ કરો - કશુ જ તમારી મરજી મુજબ નથી થતું.
મનમાં એક આશ્વાસન હવે રહે છે કે, બાપૂજી જીવનના આખરી દમ સુધી એકદમ, નખશીખ અક્ષુણ રહ્યા, અકબંધ રહ્યાં અને જેવા હાડ-ચામ અને લોહી-માંસ લઈને આવ્યાતા, એવાં જ હાડ-ચામ અને લોહી-માંસ લઈને પાછા થયાં.
મારાં એકપણ મિત્રને એમનાં અવસાનની જાણ નહોતી કરી. એનું મોટામાં મોટું કારણ આ દિવાળીનાં સપરમાં દિવસોમાં હું, મારા મિત્રોને કોઈ તકલીફ કે દોડાદોડી કરાવવા નહોતો માંગતો એ જ છે. જન્મ અને મૃત્યુ જો ટાણું જોઇને આવી શકતા હોત, તો તો એ ફૂટપાથ પર વેચાતું ખાણું હોત, આજે છે, એવું ગહન ઉખાણું ન હોત.
હું દ્રઢપણે એમ માનું છું કે, સ્વજનના જન્મ અને મૃત્યુ, એ નરી અંગત ઘટના છે અને એના હર્ષ અને શોક પણ આપણે અંગત રીતે જ પ્રતીત કરવાના હોય છે. બાપૂજીના અવસાન બાદની આખી રાત મેં, બંધ આંખે અને નમ આંખે, એમની સાથેના આ ૪૨ વરસોને મારા સ્મૃતિપટ્ટ પર વિહરવા દીધા છે, આકાશમાંથી યાદોની ઉલ્કાઓને ઉલેચ્યાં કર્યા કરી છે અને મારાં સ્મરણનાં રણને ભીનાં-ભીનાં કરતો આવ્યો છું.
મને યાદ આવ્યા એ દિવસો કે, જ્યારે બાપૂજી એમની સાઇકલના હેન્ડલમાં છીકિયું લગાવી, છીકિયામાં ગોદડી પાથરી મને, હેતથી ચૂમી ભરીને, મારા એક-પછી-એક પગ છીકિયામાં કાળજીથી ગોઠવીને બેસાડતા. મારી આંખ સામે એ દ્રશ્ય પણ તરવરે છે કે, બાપૂજી દરવખતે, ગોદડી પાથરી, જાણે ઝેડ પ્લસ સિક્યોરીટી આપવાની હોય એમ, ગોદડીની બરાબર જાંચ કરતાં ! છીકિયાનાં બેય નકુચા હેન્ડલમાં બેઠા છે કે નહી, એની સાવચેતી દાખવતા. મને સાઈકલ પર બેસાડી બાપૂજી સૌ પ્રથમ તો લેંગ લાઈબ્રેરી જતા, ત્યાં આટલા બધા પુસ્તકો અને સાવ મુઠ્ઠી જેટલા માણસો હું મુગ્ધભાવે જોઈ રહેતો ! હું લાયબ્રેરીમાં ત્યારથી જતો થયો છું કે જ્યારેથી હું પુસ્તક આપ-લે વિભાગના કાઉન્ટર સુધી પણ, મારા પગના બેય પંજા ઊંચા કરીને, હાથ લંબાવું તો પણ આંબી નહોતો શકતો. લાઈબ્રેરીની સામે જ આવેલા છત્રી અને વાંકા-ચુકા પથ્થરના બોગદામાં હડિયા-પાટી કરવાં માટે, બાપૂજી મને થોડીવાર છુટ્ટો મૂકી દેતા. હું થાકી જાઉં એટલે ગોરધનભાઈનો ચેવડો અને એક પેંડો મળતા. ત્યારે વોટર-બેગ કે મિનરલ વોટરનાં દિવસો નહોતા. ત્યારે તો જળ માત્ર પવિત્ર હતું અને જાહેર નળ કે નાંદમાંથી જ પાણી પી લેવાનું ! મિનરલ વોટર તો માત્ર મેડીકલ સ્ટોર્સમાં મળતાં અને સામાન્ય રીતે વિદેશીઓ જ ખરીદતા.
જયુબેલીબાગથી અમે ગુજરીબજારમાં આવેલા ‘ચેમ્પિયન હેર આર્ટ’માં જતાં, જ્યાં મને દરવખતે વાળ કાપવાની બાબતમાં છેતરવામાં આવતો ! ટૂંકી આવકવાળા ફેમીલીની આ પણ એક સમસ્યા છે કે, જટિયાંને લાંબા ગાળે કપાવવા પડે એટલે, શક્ય એટલા ટૂંકા કરવામાં આવતાં. હું એક નવા બિલોરી કાચની લાલચે મારાં ટૂંકા બોથાલાને કમને સ્વીકારી ગમ ખાઈ જતો. કેમકે, આ કેશ-કર્તન પછી તરત જ બાપૂજી મને એમનાં મિત્ર, બચુભાઈ કાચવાળાની ભંગારની રેક્ડીએ લઇ જવાના હોય જ્યાંથી હું મને ગમે એવો બિલોરી કાચ લઇ શકતો. ઘરે આવીને તરત, ઘરના પાછલા વરંડામાં જઈ, પહેલા કાગળ અને પછી હાથના  પંજાને, સૂર્યના તપતા કિરણોને બિલોરીકાચમાં કેન્દ્રિત કરીને બાળતો. બસ, ત્યારથી જ આ દાઝવું, આ ઝૂરવું મારાં જીવનનું એક અંગ બની ગયું છે. મેં બિલોરી-કાચથી કદી વસ્તુઓને મોટી કરીને નથી જોઈ. હું તો આવા કાચ અને સાચને લઈને હરદમ હરહંમેશ દાઝ્યો છું. પણ આ દાઝ, બળતરાની નહીં પણ રોમાંચની છે. કોઈ પ્રજ્વલિત દીવાની આંચની છે. આ રોમાંચ અને આ આંચ મેં આજ સુધી જાળવી રાખ્યા છે એની મારા નજીકના મિત્રોને પાકી ખબર છે.
બાપૂજી પાસેથી મને ત્રણ શિખામણ મળેલી અને હું આજે જે કાંઇ છું એમાં આ ત્રણ શિખામણનો બહુ મોટો ફાળો છે. મારાં બાપૂજી હમેશા કહેતા કે, ખિસ્સામાં એક રૂપિયો હોય તો બાર આનાની (૭૫ પૈસાની) વાત કરવી. રોજમાં રહેશો તો મોજમાં રહેશો અને જેમ આગળ વધતા જાવ એમ જરૂરીયાત વધારતા જશો તો દુઃખી થશો અને જેમ આગળ વધતા જાવ, એમ જરૂરીયાત પર કાબુ રાખતા શીખશો તો સુખી થશો. મેં કાયમ આ શિખામણોનું પાલન કર્યું છે અને એ રીતે મેં મારા આત્મસન્માનનું નિત્ય જતન કર્યું છે.
અમે બેય નિયમિત સાથે બેસતાં, એ અગાસી અત્યારે ખાલી-ખાલી લાગે છે. અમારાં બેયના પગમાં ખાલી ચડી જાય, ત્યાં સુધી અમે સાથે બેઠા છીએ. હું ઘણીવાર બાપુજીને, અલ્લાહ કે ઈશ્વરનાં અસ્તિત્વ પર સવાલ કરતો, ત્યારે બાપૂજી કહેતાં કે, આ તમારા પોતાના ઈમાન અને વિવેકનો પ્રશ્ન છે. અલ્લાહ કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહિ ? એ કોઈ મુખ્ય સવાલ જ નથી. કોઈ આકારના ઈશ્વરમાં માને એ એમની શ્રદ્ધાનું અવલંબન છે અને કોઈ નિરાકારના અલ્લાહમાં માને તો એ એનાં ઈમાનની બાબત અને ઈબાદત છે. બેય સંજોગોમાં અસ્તિત્વ તો આ માનવાવાળાનું છે, અલ્લાહ કે ઈશ્વરનું નહીં !!! માન્યતા કે ઈમાન કે શ્રદ્ધા તો માત્ર પોકળ શબ્દો છે. સાચી વાત તો વિવેકભાનની છે. જેને વિવેકભાનનું જ્ઞાન થયું એની ચેતના પછી આ આકાર-નિરાકારના ચક્કરમાંથી રફુચક્કર થઇ જતી હોય છે.!!!
એમની પાસેથી આવી સમજ મેં પ્રાપ્ત કરી હોવાથી, મને આજે કોઈ પરવાહ નથી કે, ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે કે ખોફ, તાજ આપે કે અઝાબ !!! કોઈ ફરક પડતો નથી. કેમકે સઘળી શાંતિ અને સઘળાં ખોફ અને સુખ અને દુખ અને આનંદ અને વેદના ઈત્યાદિનું અસ્તિત્વ તો જ્યારે મનુષ્યનું મગજ સાબૂત હોય ત્યારે જ હોય છે. તાબૂતમાં રખાયેલ અને કફનમાં બંધાયેલ બાપૂજી તો હવે એક નો-સેન્સેશન પોઈન્ટ પર સ્થિર થઇ ગયા છે.
બે ગજ નીચે, કબ્રસ્તાનમાં જ્યારે બાપૂજીને અમે દફનાવ્યા ત્યારે વિચાર આવ્યો કે, દુનિયામાં જીવતા કરતાં મૃતકોની સંખ્યા તો અનેકોનેક ગણી વધારે છે. કેમ કે, મરણ પછી કોઈ મરણ નથી હોતું, મરણ પછી તો હોય છે મૃતકનું સ્મરણ.
આપણે સૌ ખરેખર તો, દેખતી રીતે, આપણા પિતાશ્રીમાંથી છુટ્ટા પાડેલા અંશ છીએ અને આપણી માતાનાં ઉદરમાં વિકસેલા વંશ છીએ. કોઈ માતા-પિતા ક્યારેય મરતા નથી જે મરે છે એ તો, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષનું દેહાવસાન છે. જે ચિરકાળ સુધી આપણા સંભારણામાં અકબંધ રહે છે, એ તો કાયમ જીવંત રહે છે. આપણા વાણી, વ્યવહાર, વર્તન અને વિવેકમાં એ ઠેર-ઠેર દેખા દેતા રહે છે અને એમનું અનુસંધાન, ડગલે ને પગલે કોઈ બીજા પરિચિતના સ્મરણ સાથે સંકળાતું જાય છે. આમ આ આખું જગત આવા સ્મરણોની એક સાંકળ છે અને જીવનને અસ્તિત્વને સમજવાની એમાં જ કોઈ કળ પડેલી છે. જે કોઈ આ કળ જોઈ શકે છે એ અકળ મૌન ધારણ કરીને, મારી માફક, આ સ્મરણની સાંકળમાં પોતાની કડી સાંકળી જાણે છે અને જે કોઈ જોઈ નથી શકતા એ આવા પ્રસંગને એક માઠો પ્રસંગ બનાવીને કેવળ બસ ઘોઘરા સાદે રોઈ જાણે છે.



***
મને ખબર નથીકે આ મારી જ અનુભૂતિ છે, કે કોઇ બીજાને પણ મારાં જેવી જ સંવેદના થઇ હશે ?
બાપુજીના અવસાનને આજે 20 દિવસ થયાં, અત્યારે પણ મારી નાની લાયબ્રેરીમાં હું પુસ્તકો ગોઠવું છું તો, બાપુજીની મૃદુ કોમળ આંગળીઓનો સ્પર્શ હું અનુભવી શકુ છું, પાછલાં એક દાયકાથી તો આ પુસ્તકોની ગોઠવણી અને જાળવણી બાપુજી જ કરતાં. બે પુસ્તકોની વચ્ચે અને આરપાર બાપુજીનો મલકતો ચહેરો જાણે આજે પણ મારાં પુસ્તકોનો ચોકી-પહેરો કરે છે. !
મારાં બાપુજી સુગંધના ભારે શોખીન હતાં. અમારાં ઘરમાં ખુણે 'ને ખાંચરે, જ્યાં હાથ નાખો ત્યાં આજે પણ તમને અત્તર અને ગુલાબજળની અધુરી કે ખાલી શીશીઓ હાથ લાગે. આજે હું નકકી નથી કરી શકતો કે, જે સુગંધ મારાં શ્વાસમાં છલોછલ ભરી છે, 'જન્નતુલ ફિરદૌશ'ની છે ? કે મારાં બાપુજીની ? મને તો આ બેય ગંધમાં કદી કોઇ અંતર દેખાયું નથી. અમે નાના હતાં ત્યારે બાપુજી ઘણીવાર, સઘળાં બારી-બારણાં સજ્જડ બંધ કરીને, લોબાન કરતાં. લોબાનદાનીમાંથી નીકળતી, અનેક આકારની ધૂમ્રસેરો - ભાત-ભાતની આકૃતિ રચતી. આ આકૃતિઓ પલકવારમાં તો ધોમ ધૂમાડામાં પલટાઇને આખાં ઘરને અંદરથી જાણે, કોઇ તિલીસ્મી ચાદર ઓઢાડી દેતી. આંખ ખોલો તો ચોતરફ બસ વાદળ-વાદળ.
સંગીતનો શોખ કદાચ મને નાનપણમાં અત્તરની ખાલી શીશીઓમાં  સિસોટી વગાડી-વગાડીને જ થયો હશે...  પણ આ મારો હળવો (હલકો નહીં...!!!) રમુજી, નફિકરો, ફિયરલેસ સ્વભાવ તો આ લોબાનનાં ગોટેદાર વાદળોને કારણે જ છે... એમાં કોઇ શંકા નથી...!!! मैं ज़िन्दगी का साथ निभाता चला गया । हर फिक्र को धुऐ में उडाता चला गया ।
મૃત્યુ પામેલાં સ્વજનો મારાં સ્મરણમાંથી ક્યારેય મરણ નથી પામતાં. એટલે જ તો હું જ્યારે 10-11 વર્ષનો હતો, એ દિવસોમાં થોડા મહિનાઓ પહેલા મરણ પામેલાં મારાં મામાની વાટ જોતો  હું મારાં મોસાળમાં સાંજ સુધી બેસી રહેલો. રાત પડતાં 'ને ધીરજ ખૂટતાં મેં મામીને પુછયું હતું : મામી, મામા કેમ હજી ન આવ્યા ? મામા ક્યારે આવશે ?' આ સાંભળીને મામીએ આંસુ છલકતી આંખે મને એની સોડમાં તાણી લીધો હતો અને કહ્યું હતું કે: 'તારાં મામા તો અલ્લાહને પ્યારા થઇ ગ્યા.'


આવી જ અનુભૂતિ મને મારાં ચિત્રકાર મિત્ર પ્રેમનકુમનાં સંબંધે પણ થઇ હતી. લગભગ 15 વર્ષ પહેલાં, એક સાંજે, રાજકોટનાં સદર કબ્રસ્તાન સામે ઉભેલાં રમણિક હાઉસનાં 3જા માળે, હોંશથી ચડી ગયો'તો. નકૂમભાઇનાં સ્ટુડિયો પર તાળુ લાગેલું જોતાં, મેં બાજુની વકિલની ઑફિસમાં પુછ્યુ હતું કે, 'ક્યાં ગ્યા નકુમલાલા?' અને એ વકિલ તો અવાચક બની, એકદમ સ્થિર નજરે મારી સામે જોઇ રહ્યાં.... અને બોલ્યાં... 'અરે ભૂલી ગયાં ? તમે તો તેં દિવસે હાજર પણ હતાં.... નકુમભાઇ તો ધામમાં ગયા ને...' આ પાછલાં શબ્દો મને ન સંભળાયા... ન સમજાયા... હું ભારે હૈયે પગથિયાં ઉતરતો ગયો...અને પહેલો વકિલ મારી પાછળ-પાછળ આવીને મને કહેતો રહ્યો કે, 'ઇલિયાસ, તબીયત તો સારી છે ને? થોડું પાણી પી, બેસી - આરામ કરીને જા..' પણ મેં આગળ કહ્યું એમ... મને આ શબ્દો પણ ના બરાબર સંભળાયા....અને 'ના-બરાબર' સમજાયા.....મારો વાંધો જ એ છે કે, મારાં દેહનો બાંધો.... એણે દીધેલી કાંધોને યાદ નથી રાખી શકતો.
આવું કાલે સાંજે પણ બન્યું, ધૂનમાં'ને ધૂનમાં બાપુજી માટે કાયમ લઇ આવતો ... એમ કાલે પણ ચોરાફળી બંધાવી....અને... ધૂનમાં'ને ધૂનમાં... ચાલી નીકળ્યો...  ઘરે પહોંચ્યો... તો... મારાં હાથમાં ચોરાફળી જોઇ...મારી બેગમ નસીમ સમજી ગઇ... મને મારાં મામીએ એકવાર જે રીતે લીધેલો, મારાં મમ્મીએ જે રીતે અગણિતવાર લીધેલો, એ રીતે મને નસીમે એની સોડમાં ભરી લીધો. જેને કંઇ કહીએ નહીં તો પણ એનાં હૈયે એ વાત પહોંચી જાય એનું જ નામ - પત્નિ....!!!
હું જેને એકવાર યાદ રાખી લઉં છું એમને કદી ભૂલી નથી શકતો... આ એક જ મારાં દુખનું કારણ છે... આ એક જ મારાં સુખનું કારણ છે... અને સાથે-સાથે આ એક જ મારાં ચાલતાં શ્વાસનું તારણ અને બંધારણ પણ છે.

***

1 comment: