Wednesday, September 16, 2015

gazal 1

 ● ગઝલ - 1 ઇલિયાસ શેખ


પુષ્પ લૈ મળતો થયો છે પ્યારથી,
છેવટે થાકી ગયો હથિયારથી.

તેજનું ઝરણું વહે ભીતર સુધી,
ભીંત આ પોલી પડી છે જ્યારથી.

નાળચા બંદૂકનાં ઝુકી ગયા,
શ્વેત પંખીનાં તિલસ્મિ ભારથી.

આંગળી વાઢી પછી મૂંગા થયા,
સૂર છેડી ના શકાયા તારથી.

રોજ સુરજ આથમી પાછો ઉગે,
તું અકારણ દોસ્ત ડરતો હારથી.

દૂર આશાનું કિરણ જો ઝગમગે,
નાવ પાછી વાળ મા મઝધારથી.         ●●●

Poem : Bapuli (The Father)


બાપૂજી ઇલિયાસ શેખ
સીધી લીટીનું એકધારું,
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.


આરામ ખુરશીમાં બેઠા-બેઠા જ
એ પગ લંબાવી શકે અતળ પાતાળમાં,
'ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં,
એટલાં સમૃદ્ધ થયાં છે.


હમણાં જ કપાવેલાં
રેશમી - સફેદ વાળ,
ચમકી ઉઠ્યા છે સવારનાં તડકામાં.


સુઘડ, કાળજીપૂર્વક માવજત પામેલ

બાલ-દાઢીમાં

બાપૂજીનો ચહેરો ખીલી ઉઠે છે

તાજી મહેંદીના રંગ સમો. 

રાતી - તપખીરી
ઇસ્લામી દાઢીને પસવારતાં બાપૂજી,
હવે મથતાં નથી,
ગીતા-કુરાન પરનાં ભાષ્યોને ઉકેલવાં.


આઠ-આઠ દાયકાઓથી પ્રત્યેક શ્વાસે,
લીધા - છોડ્યા કરી છે,
લોબાન - ગુગળની જુગલગંધને.


ફેફસા
છલોછલ ભરીને,
હોજરી
ખાલીખમ્મ કરીને,

બાપૂજી પ્રબુદ્ધ થયાં છે.


બાપૂજીની ઘેરી
લીલી ઝાંયવાળી આંખ,
તાક્યા કરે છે ટગર-ટગર
અમારાં અજાણ્યા ચહેરાઓ.ગંગાજળથી વજૂ કરીને
બાપૂજી પરિશુદ્ધ થયાં છે.બાંગ: મુલ્લાની હો કે કુકડાની
નાદ: ઝાલરનો હો કે નોબતનો.
બાપૂજીને કોઇ ફરક પડતો નથી.એમની ચેતનાનો ચેતસ
ઓળંગી ગયો છે હવે,
મંદિરની ધજાઓ, મસ્જીદનાં મિનારાઓ.વિસ્મરણ.


યોગ છે કે રોગ ?
શાપ છે કે વરદાન ?

એ જે હોય તે.વિના ગૃહત્યાગ કે પરાક્રમ,
વિના ભ્રમણ કે અતિક્રમણ,
સહજ આદરે
મહાભિનિષ્ક્રમણ.એક ઇંચ ખસ્યા વગર,
બાપૂજી બુદ્ધ થયાં છે.સીધી લીટીનું એકધારું
સમતોલ જીવીને,

બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.

                      ●●●

Krushna Gaan 6

             કૃષ્ણગાન-૬ ઇલિયાસ શેખ


અમે તો કૃષ્ણપંથી વ્હાલાં,
અમે તો કૃષ્ણપંથી.
મોરપીંછની માળા ધરશું,
‘ને વાંસલડીની કંઠી.
અમે તો કૃષ્ણપંથી.

બાંકેજીની એક અદા પર,
અમે તો જાશું વારી.
નામ હરિનું રટતાં-રટતાં,
ભવને જાશું તારી.
ગોકૂળ દિશ ઉડાન ભરંતા,
અમે તો કૃષ્ણપંખી.
અમે તો કૃષ્ણપંથી.

ગોવર્ધનની રમણ-રેતમાં,
અમે તો ‘ગિરિવર’ લખશું.
વૃંદાવનની કુંજ ગલીમાં,
દિવસ-રાત બસ ટહલશું.
હરિનામની ચુનર ઓઢીને,
વર્યા હરિને મનથી.
અમે તો કૃષ્ણપંથી.

                    ●●●

Krushna Gaan 5

કૃષ્ણગાન-૫ ઇલિયાસ શેખ


રે કાગળિયો ઉડે–ઉડે ને પહોંચે ગોકુળગામ.
જમનાના તીર પછી કદમ્બની ડાળ,
અને કાનો-ગોપાલ એવું નામ.

ગોપીઓની આંખ જેવો, અમ્માસી રાત જેવો,
કોયલની પાંખ જેવો વાન.
પનઘટની વાટડીએ, માખણની માટલીએ,
રાધાની કાંખ જેનું સ્થાન.

રેશમના દોર પછી, સીસમની થાંભલીએ,
માખણનો ચોર એવું નામ.
રે કાગળિયો ઉડે–ઉડે ને પહોંચે ગોકુળગામ.

આખાયે ગામમાં કાનો જો હોય નહીં,
આખુંય ગામ સુમસાન.
રાધાની આંખ વહે આંસુની ધાર,
એના ડુસકાંમાં પડઘાતું શ્યામ.

જમનાની કોતરોમાં, ગોપીઓનાં ચીર પછી,
નટખટ વ્હાલુડો એવું નામ.
રે કાગળિયો ઉડે–ઉડે ને પહોંચે ગોકુળગામ.


●●●