Tuesday, July 16, 2013

Ba (The Mother)

બા ઇલિયાસ શેખ

ઉંમરનાં તકાદે થોડા ઝુકી ગયા છે , એટલું .
બાકી આંખ આજપણ તાકે છે, ઉન્નત મસ્તકે.
આકાશનાં બીજા છેડાને ખુમારીનાં ખમીરથી.

ક્યારેય ખુટતું નથી,
એના સાડલાને છેડે બાંધેલું પરચુરણ.

એક તો અરિસામાં,
ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકુ છું હું બાની આંખ.

મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા,
મને કાયમ.
રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.

દિવાલ પર હારબંધ થાપેલા છાણાં,
મારે મન તો જાણે, મીઠાં જુવારનાં દાણાં.

અઢળક બળતણ વેંચી-વેંચીને,
ટાંકા-ટેભા ભરી-ભરીને.
બા , અકબંધ રાખી છે, અમારી મુઠ્ઠીને.

રસોડાનું એક-એક વાસણ
બની ગયું છે, અક્ષયપાત્ર.
બા નાં બરક્તી હાથે.

ઉંમરનાં તકાદે થોડા ઝુકી ગયા છે, એટલું .
બાકી બેઠાં મારી સામે .
ખડી સાકરનાં ટુકડાને સમરસ ચગળતાં.
મારી રગ-રગમાં સંચારિત કરતા, ખુમારીનાં ખમીરને.
●●●


2 comments:

  1. ઇલિયાસ, માતૃવંદનાની આ ખૂબ સુંદર કવિતા બદલ અભિનંદન. 'ક્યારેય ખુટતું નથી, એના સાડલાને છેડે બાંધેલું પરચુરણ.' અને 'મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા' અને ' રસોડાનું એક-એક વાસણ બની ગયું છે, અક્ષયપાત્ર.બા નાં બરક્તી હાથે.' જેવી પંક્તિઓમાં માતાનું રેખાચિત્ર અદભૂત રીતે ઉતર્યું છે ! અલબત્ત, માતાની સરખામણી કરતી આ પંક્તિઓ --- ' રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.' અને ' મારે મન તો જાણે, મીઠાં જુવારનાં દાણાં' --- માં સર્જનાત્મકતા તો જરૂર વર્તાય છે, પણ અર્થપૂર્ણ ઉપયુક્તતાની રીતે વિચારીએ તો કેવળ ભાવોદ્રેકને કારણે જ આવી ચઢેલી લાગે છે. આવી માતાના વ્યક્તિત્વને છાજે તેવી ઉપમાઓ/રૂપકો ખોળી કાઢવા માટે થોડો વધારે વ્યાયામ કર્યો હોત તો આ આખી ક્રુતિ અત્યારે જેટલી ભાવવાહી લાગે છે એથી ઘણી વધારે લાગત. પણ, ઇલિયાસ, તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે સાચા પરિવેશ સાથે આ ક્રુતિ રચી છે અને એથી જ એ કોઇની અનુકૃતિ નથી લાગતી, બલ્કે બિલકુલ તરોતાજા અને મૌલિક અભિવ્યક્તિ બની રહી છે .



    ReplyDelete
  2. નિરવભાઈ, અભિપ્રાય આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.

    ReplyDelete